ખનીજ માફિયાઓ સામે સ્થાનિકોમાં જનઆક્રોશ
પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ્સ સામે પણ રોષ
સ્થાનિક લોકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
કલેકટર અને SPને પાઠવ્યું આવેદનપત્ર
સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહી કરવાની કરી માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ્સ સામે સ્થાનિક નાગરિકોએ રણશિંગુ ફૂંક્યું છે. ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિનાશ સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે 'સિન્ડિકેટ' દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમવર્ગીય પરિવારોની રોજગારી છીનવાઈ રહી છે. GMDC-આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફાળવેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને 'પેસા એક્ટ' નું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા હવામાં ઝેરી રજકણો અને જમીનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી સ્થાનિકો અને પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. આવેદનમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે જો કોઈ આ પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવે, તો ખનીજ માફિયાઓ દ્વારા તેમને 'ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની' ધમકીઓ આપવામાં આવે છે.અને સ્થાનિક ટ્રક માલિકોને બદલે બહારની મોટી ગાડીઓને પ્રાધાન્ય આપી સ્થાનિકોના મોંમાંથી કોળિયો છીનવી રહ્યા છે.
વધુમાં સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ખનીજ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.