ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા અને ઇન્દોર ગામમાં ભારે વરસાદથી ખેતીને થયેલા નુકશાનીનો તાગ મેળવવવા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી ખેતીવાડી અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સર્વે કરવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે, ત્યારે વિતેલા કલાકો દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ફુંકાયેલ વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીનદોસ્ત થઇ ગયો હતો. હાલમાં વરસેલા અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં કેળનો પાક જમીનદોસ્ત થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
આમ તો, ઝઘડીયા તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, ત્યારે ભારે વરસાદથી ખેતીને થયેલા નુકશાનીનો તાગ મેળવવવા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી હતી. એટલું જ નહીં, સ્થળ પરથી જ સાંસદ મનસુખ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉધડો લીધો હતો, અને આવા સમયે ઓફિસમાં નહીં બેસી બહાર નીકળી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સર્વે કરવાની કામગીરી માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ નુકશાની સામે વધુ સહાય ચૂકવાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની પણ ખેડૂતોને હૈયાધારણ આપી હતી.