New Update
ભરૂચના બાયપાસ રોડના રહીશો મુશ્કેલીમાં
વરસાદી પાણી ભરાવવાની સમસ્યા
વર્ષોથી રજુઆત છતાં પરિણામ શૂન્ય
રહીશોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
આંદોલનની ચીમકી ઉચ્ચરાય
ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ભરૂચના દેહજ બાયપાસ રોડ પર આવેલી આરઝુ પાર્ક, અરમાન બંગલોઝ અને બાગે ફિરદોષ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. અનેકવાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી.સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી. આ સમસ્યાના કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી. વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે.
બીજી તરફ, મેડિકલ ઈમરજન્સીની પરિસ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઇવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.આ અંગે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવાની માંગણી કરી છે.