નેત્રંગના ગ્રામ્ય વિસ્તારમાંથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા
સાકવા સરકારી શાળાના ઓરડા બન્યા છે અત્યંત જર્જરિત
વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબુર
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
વહીવટી તંત્રને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરાય
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં 101 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના ઓરડા જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્ય-શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા. પરંતુ કાકડકુઇ પ્રાથમિક શાળના ઓરડા પણ જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબુર બન્યા છે.
જોકે, નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી લીધાના 2 વર્ષ થવા છતાં આજદિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અંસતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધીકારીને આવેદન પત્ર આપી શૌક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.