લોકો હેલમેટ ખરીદવા ઉમટી પડયા, પોલીસે એક જ દિવસમાં વસુલ્યો હતો રૂ.5 લાખનો દંડ
ભરૂચમાં હેલમેટ પહેરવું ફરજીયાત બનતાની સાથે જ હેલમેટની દુકાનોમાં હવે ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી છે. જાણે કે અચાનક લોકોને પોતાની સેફ્ટી વિશે ચિંતા થવા લાગી છે. કે પછી વધુ દંડનો ભય! પણ ભરૂચમાં હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગ્રાહકો પણ હેલમેટને ફરજીયાત કરવાના નિર્ણયને વધાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે હેલમેટ ના પહેરો તો જેટલો દંડ થાય છે એટલી જ રકમમાં નવું હેલમેટ આવી જાય છે. જેથી ગ્રાહકોમાં પણ હેલમેટની ખરીદીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભરૂચ પોલીસ દ્વારા લેવાયેલ આ પગલાં ને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે અને તેઓએ પોતાની સેફટી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવું જણાવી રહ્યા છે.
આ તરફ અંકલેશ્વરમાં પણ હેલમેટનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં હેલમેટ વેચતા વેપારીઓને ત્યાં લોકોની ભીડ જોવા મળી રહે છે.રૂપિયા 300થી લઈ 800 સુધીની કિંમતના હેલમેટ લોકો ખરીદી રહ્યા છે.
આ અંગે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે પોલીસ હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલક પાસે 500 રૂપિયાનો દંડ વસૂલ કરે છે તેના સ્થાને પોલીસે સામે બાઈક ચાલકોને હેલમેટ આપવું જોઈએ. આ તરફ પોલીસના અભિગમને વાહન ચાલકો આવકારી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા એક જ દિવસમાં રૂપિયા પાંચ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને હજુ પણ ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે હેલમેટ ખરીદવા લોકોની લાઈન જોવા મળી રહી છે.