મછાસરા પ્રાથમિક મિશ્ર શાળા સુવિધાથી વંચિત
બાલવાટિકાથી ધો.8 સુધીના વર્ગમાં અભ્યાસ કરે છે બાળકો
225 જેટલા બાળકો શાળામાં મેળવી રહ્યા છે ભણતર
અપૂરતા શિક્ષક અને વર્ગખંડથી અભ્યાસમાં આવે છે અવરોધ
સરકાર સમક્ષ બાળકોએ શાળામાં પૂરતી સુવિધાની કરી માંગ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે,પરંતુ શાળામાં શિક્ષક તેમજ વર્ગખંડના અભાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં અભ્યાસ કરતા બાળકો અપૂરતી સુવિધાઓથી દ્વિધા અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવર- જવર માટેનો રસ્તો ન હોવાથી આશરે દોઢથી બે કિલોમીટર મેઇન રોડ પર ભારે વાહનોની અવરજવર વચ્ચે જોખમી રીતે સ્કૂલ જવું પડે છે.
મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં 225 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે.પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક કલાસમાં અને એ પણ પ્રિન્સીપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યા ન હોવાના કારણે આખો દિવસ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા અભ્યાસ કરવામાં આવે છે. શાળામાં સરકાર માન્ય ચાર જ શિક્ષકની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના જ સેવાભાવી ત્રણ વ્યક્તિઓ બાળકોનું ભણતર બગડે નહીં તે માટે વિનામૂલ્યે સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ પુરુ પાડી રહ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે એક જ રૂમમાં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે.તેથી અમારી સરકારને વિનંતી કે ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અભ્યાસ કરાવવા માટે શિક્ષકોની ભરતી માટે માંગ કરી રહયા છે.