-
ભરૂચમાં ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિ
-
ટ્રાફિકજામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા કવાયત
-
તંત્ર દ્વારા 2 જાહેરનામા બહાર પડાયા
-
નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનો નહિ કરી શકે અવરજવર
-
ખાનગી લકઝરી બસ માટે 7 પીકઅપ પોઇન્ટ ઉભા કરાયા
ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે.ખાસ કરીને ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકજામની પરિસ્થિતિ વકરી રહી છેનેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે.આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે..
હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમા ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ પહેલી માર્ચથી ભરુચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં જોકે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવી છે. નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાના કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.આ જાહેરનામું તારીખ 17 માર્ચ સુધી અમલમાં રહેશે.