Connect Gujarat
ગુજરાત

ભાવનગર : નિર્માણ પામનાર અમૃત સરોવર અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

ભારતના વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે

ભાવનગર : નિર્માણ પામનાર અમૃત સરોવર અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...
X

આઝાદીના ૭૫મા વર્ષના ઉપલક્ષ્યમાં ભારતના વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આર્થિક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે.

ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે, ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરએ આ બેઠકને સંબોધતાં જણાવ્યું કે, જલ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે. ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, આપણાં પર કુદરતનું તથા સમાજનું જે ઋણ છે તેને આ સરોવરના નિર્માણથી અદા કરીએ.

આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે તેમ જણાવી તેમણે આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. જેથી આ ધરાંને ફરીથી નવપલ્લવિત કરી શકાશે. તેમણે કહ્યું કે, આજે ઘણી બધી કંપનીના પ્રતિનિધિઓ હાજર છે, ત્યારે તેઓ પણ આ સરોવરના નિર્માણની વૈયક્તિક તથા સામૂહિક જવાબદારી નિભાવવા માટે પોતાનું યોગદાન આપે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, નવા તૈયાર થનાર સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે તેમ જણાવી જો ગામ લોકો આર્થિક સહકાર સાથે પોતાનું શ્રમદાન આપે કે, પોતાની પાસેના સાધનોનો સહયોગ આપે તે આવકાર્ય છે.

Next Story