Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સિંચાઈ વિભાગ દ્વારા પાંચમા તબક્કાની સુજલામ સુફલામ યોજનાનો કરાયો પ્રારંભ

ભાવનગર જિલ્લા સિંચાઇ વિભાગ દ્વારા વર્ષ 2018થી 2021 સુધીમાં સુજલામ સુફલામ યોજના 4 તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે

ભાવનગર જિલ્લા સિંચાઇ વિભાગ દ્વારા વર્ષ 2018થી 2021 સુધીમાં સુજલામ સુફલામ યોજના 4 તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે, ત્યારે વર્ષ 2022ના પાંચમા તબક્કાની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચોમાસાના પાણીનો ભૂગર્ભજળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત તળાવો ઊંડા કરવા-તળાવોના લાર્વા સાફ કરવા, હયાત ચેકડેમનું ડીસિલ્ટિંગ, નદી-નાળાની સાફ-સફાઈ કરવી વગેરે જેવી કામગીરી કરવાની થાય છે. જેમાં વર્ષ 2018થી 2021માં સુજલામ સુફલામ યોજનામ અંતર્ગત કુલ 387 ચેકડેમ તથા 628 તળાવ ઊંડા ઉતારવામાં આવ્યા છે. જેથી વર્ષ 2018માં 35.81 કરોડ લીટર પાણી, વર્ષ 2019માં 177.67 કરોડ લીટર પાણી, વર્ષ 2020માં 94.21 અને વર્ષ 2021માં 171.59 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો હતો આમ 4 તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા સતત પાંચમાં વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરી કરવા માટે અરજીઓ લેવામાં આવી રહી છે.

જેમાં ચાલું વર્ષે પ્રારંભથી 400 અરજી તેમજ ગત વર્ષની બાકી રહેલી 600 અરજીઓ મળીને કુલ 1 હજાર જેટલી અરજીઓ અંતર્ગત કામગીરી માટેના આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જળસંપત્તિ વિભાગ, ભાવનગર ચાલું વર્ષે પણ માર્ચથી મે-જૂન સુધી ઝુંબેશના રૂપે સુજલામ સુફલામ યોજનામાં તબક્કાવાર ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મુકવામાં આવી છે, ત્યારે યોજનાનો લાભ લેનારા માટે ગત વર્ષે આયોજનમાં 60થી 40 ટકાની લોકભાગીદારી રાખવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ તેમજ વધતી મોંઘવારીને ધ્યાને રાખી આ વર્ષે 70થી 30 ટકા લોકભાગીદારી કરવામાં આવી છે.

Next Story