Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની કરાય શાનદાર ઉજવણી

ભાવનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની કરાય શાનદાર ઉજવણી
X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવસભર અંજલિ અર્પિત કરવા માટે ભાવનગરના સરદારનગર ખાતે આવેલા તેમના જ નામના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે કસુંબીનો રંગ ઉત્સવની જાનદાર-શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતી સાહિત્યના લુપ્ત થતાં સાહિત્યને ફરીથી તેજોમય તેજથી મઢેલા શબ્દોથી ઝવેરચંદ મેઘાણીએ પોતાના ઓજસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા અજરામર કર્યું છે. તેમણે રચેલા કાવ્યો, નવલકથાઓ લોકકથાઓ, શૌર્યગીતો તેમના અવસાનના આટલાં વર્ષો પછી પણ સૌ સાહિત્યકારો અને આપણાં કંઠે ગૂંજી રહ્યાં છે.

દરેક ઉંમરના લોકો તેમના સાહિત્યના વાંચનથી અભિભૂત થાય તેવી તેમની લેખની દ્વારા તેમણે ગુજરાતની જનતામાં શૌર્ય, બલિદાન,ત્યાગ પ્રેમ અને ખૂમારીના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા આ લેખક ગિરનારના જંગલ, કસબા, નેસડાઓ તેમજ કાઠિયાવાડના ગામે-ગામ ખભા પર થેલો ભરાવીને કલમ અને કાગળ દ્વારા લોકસાહિત્યના મોતી એકઠાં કરી તેની માળા બનાવી માં ગુર્જરીને ચરણે સમર્પિત કરી છે તેવાં તેમના અમૂલ્ય પ્રદાનને વિસરી શકાશે નહીં.

બ્રિટિશ સલ્તનત સામે જંગે ચઢેલા ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યાં હતાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રચેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ તે પ્રજા મિજાજને છતો કરે છે. તો લોકસાહિત્યનો કોઈપણ ડાયરો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કાવ્ય પંક્તિઓ સિવાય પૂર્ણ થતો નથી તે મેઘાણી સાહિત્યની ઓજસ્વિતા અને પ્રસ્તુતતા સૂચવે છે. ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં એટલો જોમ, જુસ્સો અને ખુમારી છે કે, જો જોમ- જુસ્સા વગરના અને મનથી નિરાશ વ્યક્તિને સંભળાવવામાં આવે તો તેનામાં પણ જોમ ભરાઇ જાય. એટલું જ નહીં મડદામાં પણ પ્રાણ ફૂંકે તેવા વીર રસથી ભરેલી તેમની અનેક રચનાઓ છે.

Next Story