Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સર્વોત્તમ ડેરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રોને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

ભાવનગર : સર્વોત્તમ ડેરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રોને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા
X

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. 'સર્વોત્તમ ડેરી' દ્વારા હાલની કોરોનાની મહામારીની સંભવિત ત્રીજી લહેરની નિષ્ણાંતો દ્વારા જ્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે તેની સામે ઉપયોગી બની શકે તેવાં 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાનો કાર્યક્રમ સિહોર ખાતેની સર્વોત્તમ ડેરી ખાતે યોજાયો હતો. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો પૈકી સિહોર આરોગ્ય કેન્દ્રમાં 10, ઉમરાળામાં 5 અને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો ઉપયોગ માટે ફાળવવામાં આવ્યા હતા.

આ અવસરે જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેએ જણાવ્યું હતું કે, કોરોનાના બે તબક્કાઓ આપણાં દેશ માટે મુશ્કેલ રહ્યાં છે. તેમાંથી આપણે ઘણું શીખ્યાં છીએ કે, કોરોનાના આવાં પેન્ડેમીકના સમયમાં આપણે ગાફેલ રહીએ તો માનવ ખુવારીના રૂપમાં આપણે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. ત્યારે પાણી પહેલાં જેમ પાળ બાંધવામાં આવે છે, તેવી જ રીતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે પૂર્વે જ તેના અટકાવવાં માટેની તૈયારીઓ દ્વારા જ કોરોનાને 'રૂક જાઓ' તેમ કહી શકાશે.

આ અગાઉ પણ સમાજ સેવી સંસ્થાઓ અને દાનવીરો પાસેથી જિલ્લાને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યાં છે અને તેને હોસ્પિટલમાં લોકોની સેવા માટે મૂકવામાં આવ્યાં છે. 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાનો આ કાર્યક્રમ પ્રસંશનીય છે, તેમ જણાવી કલેક્ટરએ સર્વોત્તમ ડેરીએ સમાજ ઉપયોગી આ કાર્ય માટે જે લીડરશીપ લીધી છે તે પ્રેરણાદાયી છે. કલેક્ટરએ કોરોનાની લહેર સામે સાવચેતી રૂપે તમામ લોકો વેકસીનેશન કરાવી લે તેના પર ભાર મૂકી સર્વોત્તમ ડેરીએ જે કાર્ય કરેલ છે તે માર્ગે બીજી પણ સંસ્થાઓ મદદરૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ આ તકે સર્વોત્તમ ડેરીના તંત્રવાહકોને તથા પ્રાંત અધિકારીને સારાં કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે આ મશીનોની કાયમી જાળવણી થાય તેવી અપીલ પણ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવાએ આ કાર્ય બદલ સર્વોત્તમ ડેરીના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટરને શુભેચ્છા પાઠવી હતી. ઓક્સિજનની તકલીફ કોરોનાની બીજી લહેર વખતે પડી હતી. તેની સામે ત્રીજી લહેર આવે તો તેના આગોતરા આયોજનના ભાગરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભાજપના જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાએ આ કાર્યક્રમને એક અલગ પ્રકારનો અને મર્યાદિત સંખ્યા સાથેનો પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ લેખાવી સાથેનો વહિવટી તંત્ર સાથે તાલ મીલાવીને આ આયોજન સફળ આયોજન કરાયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આનાથી પ્રાથમિક તબક્કે પાયાની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે અને સામાન્ય માણસો જે ખર્ચને પહોંચી ન શકે તેમને તેનો લાભ મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણે આ કાર્યક્રમને ખૂબ જ મહત્વનો ગણાવી ભવિષ્યમાં આવનારી કપરી પરિસ્થિતિને ખાળવાં માટે આ મશીનોથી લોકોના જીવન બચાવી શકાશે. આ કાર્યક્રમની શરૂઆતમાં સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્ર પનોતે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સર્વોત્તમ ડેરીએ કોરોના કાળમાં સર્વોત્તમ ડેરીએ સમાજોપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યની માહિતી આપતી આપી હતી. સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષીએ આવેલ મહેમાનો તથા ભાઈઓ-બહેનોનો કાર્યક્રમમાં પધારવા બદલ સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શરદ ભટ્ટે કર્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ મુકેશ લંગાળીયા, ઉપપ્રમુખ ઘનશ્યામ શિહોરા, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવિયાડ, જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન વિક્રમ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિ જસાણી, સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમ નકુમ, ઈન્ચાર્જ ટી.ડી.ઓ ચાંપરાજ ઉલ્વા, ચીફ ઓફીસર, નગરપાલિકા સિહોર, મામલતદાર, સિહોર તેમજ ભાજપ જિલ્લા, તાલુકા અને પ્રદેશના આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના સિહોર, ઉમરાળા અને કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story
Share it