રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની સારવાર માટે ૧૦૮ની સેવા જીવન બચાવનાર સાબિત થઇ છે. તેવી જ રીતે અબોલ પશુ-પંખીઓ માટે પણ આ સરકાર સંવેદનશીલ છે અને તે માટે જ 2 વર્ષ પહેલાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને થોડા સમય પહેલાં 10 ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સની સેવા ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે.
આ સેવા સમગ્ર રાજ્યના પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ છે. તે જ રીતે ભાવનગર જિલ્લામાં આ સેવાનો લોકોએ ખૂબ મોટો લાભ લીધો છે. તાજેતરમાં ભાવનગરના ડોળિયા ગામના ખેડૂત અને પશુપાલક હરીભાઇ દ્વારા 1962ની સેવા વિશે સાંભળીને તેમના બળદને શીંગળાના દૂખાવા (જેને કંબોળી તરીકે ઓળખવામાં આવે છે)નો કેસ નોંધાવવામાં આવ્યો હતો. આ કંબોળીમાં શીંગડામાં ધીમે-ધીમે સડો વધતો જાય છે. અને આ સડો મગજ સુધી પહોંચતાં પશુનું મૃત્યુ થાય છે. આ દરમિયાન પશુને ખૂબ પીડા સહન કરવી પડે છે. જો ઓપરેશન કરીને શીંગડુ દૂર કરવામાં આવે તો પશુ બચી જાય છે. પરંતુ પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે. ઓપરેશન માટે ગામમાં પશુ દવાખાનું તો હોવું જોઇએ ને... અને જો હોય તો ગામથી દૂર હોય જ્યાં પશુને લઇ જવું પશુપાલક માટે શક્ય ન હોય કે, આર્થિક રીતે પરવડે તેવું ન હોય તેવાં સમયે 1962ની પશુ એમ્બ્યુલન્સ સેવા ખૂબ જ ઉપકારક બની રહે છે.