સાળંગપુર મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું નિર્માણ કરાયું, ગુજરાતનું પ્રથમ 1100 રૂમવાળું યાત્રિક ભવન બનીને તૈયાર
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે, ત્યારે સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શને લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે લોકાર્પણ કર્યું હતું.
જે બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું, અને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી.
મહત્વનું છે કે, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી. આ પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામીએ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કરી હતી.
સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ 2005થી અહીં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં આવી રહ્યા છે, અને આજે તેમના હસ્તે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ થતાં સૌકોઈએ ખુશીની લાગણી અનુભવી હતી.