બોડેલી નગરમાં પશુધન પર થતાં હુમલાનો મામલો
તીક્ષ્ણ હથિયાર વડે ગાય પર જીવલેણ હુમલા કરાયા
અસમાજિક તત્વોની કરતૂતથી પશુપ્રેમીઓમાં આક્રોશ
સમગ્ર મામલે સ્થાનિકોએ બોડેલી પોલીસને જાણ કરી
વહેલી તકે અસમાજિક તત્વોને ઝડપી લેવા માંગ ઉઠી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં અસમાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કેટલીક ગાય પર જીવલેણ હુમલા કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
હિન્દુ ધર્મમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં 15 દિવસથી ગાય જેવા મૂંગા પશુ પર રોજને રોજ જીવલેણ હુમલા થતા પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવાઈ રહ્યો છે. અસમાજિક તત્વો દ્વારા મૂંગા પશુઓને તીક્ષ્ણ હથિયાર વડે કેમ ઘાયલ કરવામાં આવી રહ્યા છે, તે ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે, બોડેલી ગામમાં શાંતિ ડહોળવાનું કામ કેટલાક અસમાજિક તત્વો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ, ઘાયલ થયેલ મૂંગા પશુઓના વિડીયો પણ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અસમાજિક તત્વોના આ કારસ્તાનને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડેલી પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, ગાય પર હુમલાઓ કરતાં નિર્દય લોકોને વહેલી તકે ઝડપી લેવામાં આવે. જોકે, પોલીસે પણ બોડેલી પંથકમાં શાંતિ ન ડહોળાય તે પહેલા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તપાસ આદરી છે.