Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : જબૂગામ નજીક ખાનગી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, મોટી જાનહાનિ ટળી...

બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ સાઈડ નીચે ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારે બસમાં ફસાયેલા ચાલકને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. બસમાં સવાર 50થી વધુ મુસાફરો પૈકી 10થી વધુ મુસાફરોને ઇજા પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 7 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે જબૂગામ અને બોડેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના જુના બારીયા ગામના વણકર સમાજના લોકો ખાનગી બસમાં સવાર હતા. પોતાના મૃતક સ્વજનના અસ્થિ વિસર્જન કરવા માટે વડોદરા જિલ્લાના ચાણોદ નર્મદા સંગમ જતાં આ ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ લોકો જે બસમાં સવાર હતા, તે એક ખાનગી શાળાનું સ્કૂલ બસ હતી, ત્યારે સ્કૂલ બસનો જ અકસ્માત સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ આ બસ ખાનગી સ્કૂલની હોવાથી જે તે શાળા વિરુદ્ધ કાર્યવાહી ન થઈ શકે તેવું દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

Next Story