છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો. પ્રેમિકાના પિતા તેમના 2 મિત્રો સાથે વિલન બની ધસી આવ્યા હતા, જ્યાં કોઈ ઘાતક હથિયાર વડે પ્રેમીને ગળા તેમજ માથાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, ગત સોમવારે સાંજે છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામનો યુવક વૈરાગ પોતાના ઘરે હતો. સાંજના સમયે જમી પરવારીને ઘરે બેઠો હતો, ત્યારે લગભગ 8:30 વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાનો ફોન આવતા, તે ફોન પર વાત કરતો હતો. વાતો કરતા કરતા પ્રેમિકાએ પ્રેમી વૈરાગને ઊંચાપાણ પાસે જેસીંગપુરા હાઈસ્કૂલમાં મળવા બોલાવતા વૈરાગ પોતાની બાઈક લઈને રાત્રિના લગભગ 9 વાગ્યે નીકળ્યો હતો. રાત્રે પ્રેમિકાને મળવા નીકળેલો વૈરાગ મોટીબેજ પાસેના ઘમુન ગામના તેના મિત્ર જયરાજને પણ સાથે લઈ ગયો હતો. વૈરાગ પોતાના મિત્ર જયરાજ સાથે જેસીંગપુરાની હાઈસ્કૂલમાં પહોંચ્યો હતો, જ્યાં તેની પ્રેમિકા તેની રાહ જોતી હતી. પ્રેમી વૈરાગ અને તેની પ્રેમિકા મળતા હાઈસ્કૂલની અંદરના ભાગે જતા રહ્યા હતા
જ્યારે વૈરાગનો મિત્ર જયરાજ હાઈસ્કૂલના દરવાજા પાસે રાહ જોતો બેઠો હતો. લગભગ 3 કલાક બાદ 12:30 વાગ્યાના અરસામાં પ્રેમિકાના પિતા મુકેશભાઈ તેમના મિત્રો કારિયા ઉર્ફે કાળુભાઈ તથા ગણપતભાઈ સાથે જેસીંગપુરા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવી પહોંચ્યા હતા, અને બન્ને પ્રેમી પંખીડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પ્રેમિકાના પિતા મુકેશભાઈએ બન્ને મિત્રોને પ્રેમી વૈરાગને પકડી રાખવાનું કહી, પોતાની દીકરીને તાત્કાલિક ઘરે મુકીને થોડી વારમાં પરત જેસીંગપુરા હાઇસ્કુલ ખાતે આવી પહોંચ્યા હતા. મુકેશભાઈ, કાળુભાઈ તેમજ ગણપતભાઈ ત્રણેયે પ્રેમી વૈરાગને માર માર્યો હતો. માર ખાતા ખાતા પ્રેમી વૈરાગ બચાવો બચાવોની બૂમ પાડતો હતો. પરંતુ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ બહાર ઉભો રહેલો પ્રેમી વૈરાગનો મિત્ર જયરાજ પણ ડરના માર્યો ત્યાંથી ભાગી ગયો હતો. સવારે 7:30થી 8:00 વાગ્યાના અરસામાં પ્રેમી વૈરાગના પિતાને સમાજના આગેવાને વૈરાગનો મૃતદેહ જેસીંગપુરા પાસે રસ્તા પર પડ્યો હોવાની જાણકારી આપી હતી. જેથી વૈરાગના પિતા ભરતભાઈ ઘટના સ્થળે પહોંચી તમામ હકીકત બોડેલી પોલીસને જણાવી હતી. વૈરાગની હત્યા થઈ હોવાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. આ સાથે જ પ્રેમી વૈરાગને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.