ડાંગ : મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભાર્થી બાળકોને સહાય ચેક અર્પણ કરાયા

સંવેદનશીલ રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ડાંગ જિલ્લાના ૧૧ લાભાર્થીઓને સહાયના ચેકો અર્પણ કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, ધારાસભ્ય વિજય પટેલ અને કલેકટર ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવોએ કોરોનાને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા કમનસીબ બાળકોને ખુબ જ સંવેદના સાથે રાજ્ય સરકાર સધિયારો પૂરો પાડી રહી છે, તેમ જણાવી જિલ્લાના પાત્રતા ધરાવતા એક પણ બાળક આ યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી દાખવવાની અપીલ કરી છે.
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન એટલે કે, માર્ચ ૨૦૨૦થી ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનાસ્પર્શી નિર્ણય લઈને મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 4 લાભાર્થી બાળકો સહીત વઘઈના 2, અને આહવા તાલુકાના 5 બાળકોને સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકારના બાળ સ્વરાજ પોર્ટલ ઉપર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એક વાલી ધરાવતા અન્ય 56 બાળકોની પણ માહિતી રજૂ કરવામાં આવી છે.
જેમને પણ બાળ સુરક્ષા વિભાગની અન્ય યોજનામા નિયત કરાયેલા લાભો મળવાપાત્ર થશે. તેમ કાર્યક્રમના અધ્યક્ષ કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતું. તેમણે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું. ડાંગ જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કોરોના સંક્રમણ માટેની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસાર યોજાયેલા નાનકડા કાર્યક્રમ દરમિયાન ઉક્ત મહાનુભાવો ઉપરાંત નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હંસા પટેલ તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, અગ્રણી સામાજિક કાર્યકરો અને આગેવાનો એવા આહવાના સરપંચ હરિરામ સાવંત, તાલુકા પ્રમુખ કમળા રાઉત અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નીલમ ચૌધરી, સંબંધિત વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ અને તેમના પાલકો વિગેરએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
કાર્યક્રમનું આયોજન તથા વ્યવસ્થા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી તથા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી સહીત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર તથા મહાનુભાવોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓને માર્ગદર્શિત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.