વર્ષ 2022ની શરૂઆત થતાંની સાથે કોરોનાના પણ કેસ વધવા લાગ્યાં છે. ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે....
રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. ટુંક જ સમયમાં સરકાર કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરે એવી શક્યતા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ બેઠકમાં તેમણે આઇસોલેશન અને હોસ્પિટલમાં રહેલા દર્દીઓનું સતત મોનિટરીંગ રાખવા અધિકારીઓને સુચના આપી છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે 10મી જાન્યુઆરીથી મહાનગરો તથા દરેક જિલ્લામાં ઉકાળાનું વિતરણ શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસિંગ-ટ્રેકિંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો મેળવી હતી.