વિકસિત ગુજરાતની છબીને અસર કરતી ઘટના
લૂંભા ગામની સરકારી શાળામાં અભ્યાસ માટે મુશ્કેલી
ભણવા તત્પર બાળકોનું ભવિષ્ય અંધારામાં
માત્ર 2 ઓરડામાં જ વર્ગખંડ સાથે જ આચાર્યની ઓફિસ
ધોરણ 1થી 8માં 200 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લુંભા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ છે પરંતુ વર્ગખંડની ઉણપ છે.જેના કારણે માત્ર બે જ ઓરડામાં 200 વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું લુંભા ગામમાં સરકારી શાળા છે પરંતુ શાળામાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડની ખોટ છે.દોઢ વર્ષ પહેલાં જર્જરિત સરકારી શાળાના 6 ઓરડાની ઈમારતને જમીનદોસ્ત કરી દેવામાં આવી, નવી ઈમારત માટે મંજૂરીની રાહ જોતા આજદિન સુધી ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.હાલમાં શાળાની સ્થિતિ એવી છે કે ફક્ત બે જ ઓરડામાં ધોરણ 1 થી 8 ના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે, એ જ ઓરડામાં આચાર્યની ઓફિસ પણ કાર્યરત છે. છ શિક્ષકો હોવા છતાં ઓરડાની અછતને કારણે ફરજિયાત બે પાળીમાં અભ્યાસક્રમ ચલાવવાનો વારો આવ્યો છે.
લુંભા ગામના સરપંચ રાહુલ જોરા અને આગેવાનોનું કહેવું છે કે, ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં ભણાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર થઈ રહી છે. દોઢ વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી.
ગ્રામજનોમાં અસંતોષ છે કે જવાબદાર શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઇ રહ્યું છે.ત્યારે લખપતિ દીદીથી લઈને ડિજિટલ શિક્ષણ સુધીના સ્વપ્નો સાકાર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, પણ ગામડાના બાળકોને ભણવા માટે બે ઓરડા પણ પૂરા નથી, એ હકીકત પર ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે.