-
સોમનાથ મહાદેવની શરણમાં કેન્દ્રીય ગૃહમંત્રી
-
જળાભિષેક સાથે સોમેશ્વર પૂજા અર્ચના કરી
-
સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણ સાથે ભૂમિપૂજન કર્યું
-
ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખૂલશે
-
અન્નદાતા હવે ઉર્જાદાતા બની ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર બનશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું.જ્યારે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ધર્મપત્ની સાથે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.
આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી 'અન્નદાતા' કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો 'ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર' બની 'ઉર્જાદાતા' પણ બનવાના છે.
તાલાલા, કોડીનાર અને વલસાડ સુગર મિલો સાથે દસ હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જીવિત થઈ છે. ખાંડના ઉત્પાદન સાથે રૂપિયા 600 કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવિક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે.