Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી, બિહાર ભાજપના સંગઠન મંત્રી બનાવાયા

ગુજરાત ભાજપના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી, બિહાર ભાજપના સંગઠન મંત્રી બનાવાયા
X

ગુજરાતમાં ભાજપના સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ છેલ્લા બે દાયકાથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતાં ભીખુ ભાઈ દલસાણિયાની જગ્યાએ બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા રત્નાકરની નિમણૂંક કરવામાં આવી હતી.

હવે ભીખુભાઈને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની જગ્યાએ રત્નાકરની નિમણૂંક કરાતા ભાજપના નેતાઓ પણ ચોંકી ગયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા ભીખુભાઈ મોદીના વિશ્વાસુ મનાતા હતા.

દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય એવી શક્યતાઓ પણ સેવાઈ રહી હતી. હવે તેમને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, '1997 થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી ફરજ પર રહેવાનો મને લ્હાવો મળ્યો. વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકર્તાઓના અપાર-આદર અને સ્નેહ-સહયોગથી સંતોષ અને આનંદ છે. હવે માં ગંગાના કિનારે બિહારમાં વિહાર કરીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત. પ્રણામ.' સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે.

હરહંમેશ વિવાદથી દુર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખી દલસાણીયાએ પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી. પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. એટલુ જ નહી, ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકર્તાથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સાથે સીધા સંબંધ છે.

Next Story
Share it