/connect-gujarat/media/post_banners/a413e11691159d21bdd19d6bacc76249249e796a1d350fea3960b45d964ba8e6.jpg)
રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અંબાજીથી ઉમરગામ સુધી શરૂ કરાયેલ 1200 KM લાંબી યાત્રાના પ્રારંભે પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસ અનેકવાર પ્રહાર કરતી હોય છે, ત્યારે સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના આગેવાનોએ અંબે માઁના દર્શન કરી અંબાજીથી ઉમરગામ સુધીની યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રાના પ્રારંભે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યૂથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જ્યારે બીજા તબક્કામાં દશેરાના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ સોમનાથથી સુઈગામની યાત્રા કરશે. જોકે, 1200 કિલોમીટરની આ યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા તેમજ સાંજના સમયે મશાલ રેલીનું આયોજન કરી વધુમાં વધુ મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.