Connect Gujarat
ગુજરાત

ગિજુ બધેકાની ગમ્મત સાથે જ્ઞાનની કલ્પનાને સાકાર કરતી ગુજરાતી ફિલ્મ "દિવાસ્વપ્ન"

ગિજુ બધેકાની ગમ્મત સાથે જ્ઞાનની કલ્પનાને સાકાર કરતી ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન
X

ગુજરાતની ધરાના અદના માનવી, શિક્ષણવિદ અને ભારતમાં મોન્ટેસરી શિક્ષણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર તથા 'મૂછાળી માં'ના હુલામણા નામથી જાણીતા ગિજુ બધેકાના ''બાળકો રમતાં રમતાં ભણે અને ભણતાં ભણતાં રમે"ના વિચારોને ચરિતાર્થ કરતી ગુજરાતી ફિલ્મ ''દિવાસ્વપ્ન" તા. ૧૦મી ડિસેમ્બરના રોજ સીનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે.

ભાર મૂકત ભણતરની સાથે ઝેર મૂક્ત ખેતી સહિતની પ્રવર્તમાન સમસ્યાઓને ઉજાગર કરતી આ ગુજરાતી ફિલ્મને ગુજરાતના શિક્ષણ જગતના લોકો, જગતના તાત એવા ખેડૂતો સહિતના લોકોને નિહાળવા સહકાર ક્ષેત્રના અગ્રણી, NCUI અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અનુરોધ કરવાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ ફિલ્મને કરમુક્ત કરવા એક પત્ર દ્વારા ભલામણ પણ કરી છે. ઉલ્લેખનિય છે કે, એક ખેડૂત પુત્ર દ્વારા ભાર વિનાનું ભણતર, ઝેર મુક્ત ખેતી અને સમાજની પ્રવર્તમાન સાંપ્રત સમસ્યાઓના ગહન અભ્યાસ અને ચિંતન બાદ ગુજરાતી ફિલ્મના માધ્યમથી તેને કચકડાના પડદે ઉતારી છે. જે તા. ૧૦મી ડિસેમ્બરને શુક્રવારના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મનું ટ્રેલર નિહાળી દિલીપ સંઘાણીએ લાગણીસભર સ્વરે જણાવ્યું હતુ કે, મેં જ્યારે આ ફિલ્મનું ટ્રેલર નિહાળ્યું, ત્યારે મારી આંખ લાગણીથી ભરાઈ ગઈ હતી અને તેથી જ હું આપ સૌને સપરિવાર આ ''દિવાસ્વપ્ન" ફિલ્મ અચૂક નિહાળવા આગ્રહ સભર વિનંતી કરૂં છું. આ ફિલ્મને કરમૂકત કરવા મુખ્યમંત્રીને પત્ર લખતા જણાવ્યું હતું કે, જાણીતા શિક્ષણવિદ્દ ગિજુ બધેકાની શિક્ષણની પરિકલ્પના, ઓર્ગેનિક ખેતી અને સમાજની સાંપ્રત સમસ્યાઓ ઉપર ગહન અભ્યાસ અને ચિંતન બાદ આ મહત્વના વિષયને કચકડે કંડારી "દિવાસ્વપ્ન" નામથી ગુજરાતી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે. જેને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના ૫૨(બાવન) એવોર્ડ પ્રાપ્ત થયા છે. જે ગુજરાત ફિલ્મ જગત માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. સમાજમાં ઉદાહરણ રૂપ કહી શકાય તેવી આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સકારાત્મક સંદેશો આપનારી બની ગઈ છે. જેને ધ્યાને લઈ આ ફિલ્મને રાજ્યસરકાર દ્વારા કરમુક્ત કરવા ભલામણ કરી છે.

Next Story