Connect Gujarat
ગુજરાત

ભારે વરસાદમાં મધ્યગુજરાતના નદી-નાળા છલકાયા, વડોદરાના 100થી વધુ ગામો પ્રભાવિત

છેલ્લા બે દિવસથી વરસાદી વરતાવરણ વચ્ચે ભારે વરસાદને કારણે જિલ્લાના 100થી વધુ ગામો પ્રભાવિત થયા

ભારે વરસાદમાં મધ્યગુજરાતના નદી-નાળા છલકાયા, વડોદરાના 100થી વધુ ગામો પ્રભાવિત
X

છેલ્લા બે દિવસથી વરસાદી વરતાવરણ વચ્ચે ભારે વરસાદને કારણે જિલ્લાના 100થી વધુ ગામો પ્રભાવિત થયા છે. નર્મદા સહિતની નાની મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. વડોદરે જીવાદોરી સમાન અજવા સરોવરની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું બની ગયું છે. વડોદરા જિલ્લા માટેના ડીસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન ૨૦૨૨ બનાવવામાં આવ્યો છે. રાજ્યના આપદા નિયંત્રણ તંત્રના માર્ગદર્શનને અનુસરીને દર વર્ષે જિલ્લા કલેકટરની સૂચનાઓ વણી લઈને અને વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સહયોગથી આ પ્લાન નવેસરથી બનાવવામાં આવે છે.તેમાં વિગત વર્ષોના પુર/ ભારે વરસાદ અને પાણીની આવકના અન્ય સ્ત્રોતોના પ્રભાવના અનુભવો જોડીને આ પ્લાનને વધુ અસરકારક બનાવવામાં આવે છે.

ચોમાસું આફતો પ્રસંગે બચાવ અને રાહતની અસરકારકતા વધારતી વ્યાપક કવાયત છે. એવી લાગણી વ્યક્ત કરતાં ડી.પી.ઓ.બંતિશકુમાર પરમારે જણાવ્યું કે તેના લીધે પુર, ભારે વરસાદ થી કે બંધોમાં થી, છલકાયેલા તળાવોમાં થી પાણી છોડવામાં આવે ત્યારે વિવિધ વિભાગો સાથે સચોટ સંકલન કરીને વધુ નુકશાન થતું અટકાવવામાં મદદ મળે છે.

આ પ્લાન ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ., પોલીસ તંત્ર માટે પણ આફત સમયે માર્ગદર્શક બની રહે છે. આ પ્લાનમાં જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારને ચોમાસામાં અસર કરતી મુખ્ય મોટી અને બારમાસી નદીઓ નર્મદા અને મહી છે. આ ઉપરાંત ઓરસંગ પણ પ્રભાવ પાડે છે. જ્યારે ઢાઢર,વિશ્વામિત્રી,દેવ જેવી નદીઓ છે જે બારમાસી નથી પણ બંધ કે સરોવરમાંથી અને ઉપવાસથી પાણીની ભારે આવક થતાં ચોમાસામાં એકાદવાર તો ચિંતા ઊભી કરે જ છે. આજવા અને પ્રતાપપુરા ઉપરાંત કેટલાક સિંચાઇ તળાવો અને ગામ તળાવો પણ છે જેની સપાટીનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે નર્મદા ડેમમાં થી પાણી છોડાઈ રહ્યું હોય ત્યારે ગરુડેશ્વરના પૂલ પર પાણીની સપાટી અને મહી નદી પરના વણાકબોરી આડબંધમાં થી છોડવામાં આવતા પાણીની અસરની શક્યતાઓ અનુસાર બચાવ અને રાહતનું આયોજન કરવું પડે છે. તે માટે પાણીનો કેટલો જથ્થો છૂટે અથવા જે તે જગ્યાએ પાણીનું સ્તર કેટલું વધે તે પ્રમાણે કેટલા ગામો અસર પામે, એ પ્રકારની આ પ્લાનની વિગતો ખૂબ ઉપયોગી બની રહે છે. જે તે ગામોના સરપંચોને અને લોકોને તેનાથી આગાહ કરીને સમયસર ઊંચાણવાળા સ્થળોએ લોકોને ખસેડવા,ચોમાસાં પહેલા આશ્રય સ્થાનો નક્કી કરવા જેવી તકેદારીઓ લેવામાં આવે છે.વર્ષ દરમિયાન પ્રભાવની શક્યતાવાળા ગામોમાં મોકડ્રીલ એન.ડી.આર.એફ.જેવી સંસ્થાઓની મદદથી યોજવામાં પણ આ પ્લાન ઉપયોગી બને છે.નાની મોટી નદીઓ, બંધો,તળાવોના પાણીથી અસર પામવાની શક્યતાવાળા ગામો અને વિસ્તારો જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ઓછા વધતા પ્રમાણમાં છે.આવા ગામોની એકત્રિત કુલ સંખ્યા ૧૦૦ થી વધુ છે.આજવા અને પ્રતાપપુરા સરોવરમાં થી છોડવામાં આવતાં પાણી વાઘોડિયા,વડોદરા ગ્રામ,પાદરા જેવા તાલુકાઓને અસર કરે છે.એટલે આજવાની સપાટી અને દેવ ડેમની સપાટીનું ધ્યાન જિલ્લાના ગ્રામ વિસ્તારોને અસરની દૃષ્ટિએ રાખવું જરૂરી છે.

Next Story