Connect Gujarat
ગુજરાત

આજ સાંજ સુધીમાં દરિયાકાંઠે ટકરાશે 'ગુલાબ' વાવાઝોડું, આ રાજ્યોને કરાયા એલર્ટ

બંગાળની ખાડીની ઉપર ઊભા થયેલા દબાણનું ક્ષેત્ર શનિવારે ચક્રવાતી વાવાઝોડા ‘ગુલાબ’માં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આજે સાંજે દરિયાકાંઠે ટકરાશે.

આજ સાંજ સુધીમાં દરિયાકાંઠે ટકરાશે ગુલાબ વાવાઝોડું, આ રાજ્યોને કરાયા એલર્ટ
X

બંગાળની ખાડીની ઉપર ઊભા થયેલા દબાણનું ક્ષેત્ર શનિવારે ચક્રવાતી વાવાઝોડા 'ગુલાબ'માં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આજે સાંજે દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન પવનની સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે તોફાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

આ મૌસમમાં આ પહેલા અત્યાર સુધી બે ચક્રવાતી વાવાઝોડા બની ચૂક્યા છે. પહેલું વાવાઝોડું ટાઉતે અરબ સાગરમાં બન્યું હતું. જ્યારે બીજું વાવાઝોડું યાસ 23 અને 28 મેની આસપાસ બંગાળની ખાડીમાં બન્યું હતું. આવો એક નજર કરીએ ચક્રવાતી વાવાઝોડું ગુલાબ હાલ ક્યાં છે અને ઓડિશા અને આંધ્રના કયા વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે.

25 સપ્ટેમ્બરની રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધીની મળતી જાણકારી મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને આસપાસના ક્ષેત્રોમાં કેન્દ્રીત છે. ઓડિશાના ગોપાલપુરથી હાલ તે પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 330 કિલોમીટર દૂર છે. આંધ્ર પ્રદેશના કલિંગપટ્ટનમથી તેનું અંતર 400 કિલોમીટર પૂર્વમાં છે.

આજ સાંજે તે દરિયાકાંઠા સાથે ટકરાશે. તેના લગભગ પશ્ચિમની તરફ આગળ વધવા અને ઉત્તર આંધ્ર પ્રદેશને પાર કરવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ગોપાલપુર અને કલિંગપટ્ટનમની વચ્ચે દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

બંગાળની ખાડીની પશ્ચિમમાં છેલ્લા 6 કલાક દરમિયાન તોફાનની ઝડપ 7 કિલોમીટર પ્રતિ કલાક રહી છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સ્કાયમેટ વેધર મુજબ, વાવાઝોડાની દરિયાઇ યાત્રા ઓછી હોવાના કારણે, પવનની ગતિ ખૂબ મજબૂત રહેશે નહીં.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ જિલ્લાઓ અને દક્ષિણ ઓડિશા કિનારે (ગંજમ, ગજપતિ જિલ્લા) 55-65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પુરી, રાયગડા અને કોરાપુટ જિલ્લાઓ પણ પ્રભાવિત થશે. ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

સ્કાય મેટ વેધર મુજબ, આગામી 24 થી 48 કલાક દરમિયાન, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓડિશાના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ કેન્દ્રપાડા, જગતસિંહપુર, કટક, ભુવનેશ્વર, ખોરધા, પુરી, ગંજામ, ગજપતિ, કંધમાલ અને રાયગઢ હોઈ શકે છે. આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, ગુંટુર અને કૃષ્ણામાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

Next Story