-
ધ્રોલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
પાંચ મિત્રોની બેલગામ કારે મારી ગુલાંટ
-
કારમાં સવાર ત્રણ યુવાનોના મોત,બે ઈજાગ્રસ્ત
-
કારનો બુકડો બોલી ગયો
-
કારના પતરા ચીરીને લાશ બહાર કાઢવામાં આવી
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના પાંચ મિત્રો કાર લઇને લતીપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.જ્યાં દાંડિયા રાસના કાર્યક્રમ બાદ નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા,ત્યારે ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે બુધવારે મોડી રાત્રે કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી ઋષિ પટેલ,ધર્મેન્દ્રસિંહ ઝાલા અને વિવેક પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુડદો વળી ગયો હતો, જેથી મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા ચીરવા પડ્યા હતા.