ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો
હોસ્ટેલમાં મારામારીની ઘટના સામે આવતા ખળભળાટ
સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાય
જુનાગઢની ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે, જ્યારે આ મામલે પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.
જુનાગઢની મધુરમ ચોકડી નજીક આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં 5થી 6 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. સમગ્ર મામલો ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીના ધ્યાન પર આવતા તે શાળાએ દોડી આવ્યા હતા, તેમજ શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા. દોઢ મહિના પહેલા ઘટના બની હોવા છતાં ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણ જ કરવામાં આવી નહોતી, અને ઘટના રફેદફે કરવાનો હોસ્ટેલ સંચાલકો દ્વારા પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે બાળ સુરક્ષા વિભાગ દ્વારા હોસ્ટેલ અને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જોકે, શાળાની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા વાલી અને ભોગ બનનાર વિદ્યાર્થીના નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે રમતગમત બાબતે બબાલ થઈ હતી, અને બાદમાં રૂમમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજી તરફ, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલ ઘટના મામલે શાળા સંચાલક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્કૂલમાં નહીં, પરંતુ હોસ્ટેલમાં બની છે, અને હોસ્ટેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભાડે આપવામાં આવી છે, જ્યાં તમામ જવાબદારી હોસ્ટેલ સંચાલકોની રહે છે, તેવું નિવેદન આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકએ આપ્યું હતું. આ તરફ હોસ્ટેલ સંચાલક હાર્દિક બારડએ નિવેદન આપ્યું હતું કે, ઘટનાની જાણ તમામ વાલીઓને કરી દેવામાં આવી છે, અને જે વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવ્યો હતો, તે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ઘટના સ્કૂલમાં નહીં, પણ હોસ્ટેલમાં બની છે. જો આગામી સમયમાં તપાસમાં શાળાની બેદરકારી જણાશે તો વિદ્યાર્થીઓની સુરક્ષા ન રાખવા બદલ શાળા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.