-
ઝાંઝરડા ચોકડી પર પોલીસ ચેક પોસ્ટ નજીકની ઘટના
-
મનપા દ્વારા જેસીબી વડે ખોદકામ વેળાની ઘટના
-
ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ફાટી નીકળી હતી આગ
-
દાઝી જતા 3 લોકોને મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
-
બનાવના પગલે ફાયર ફાઈટરો-પોલીસ કાફલો દોડ્યો
જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ પર પોલીસ ચેક પોસ્ટ પાસે મનપા દ્વારા થઈ રહેલા જેસીબી વડે ખોદકામ દરમ્યાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આગ ભભૂકંતા 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુમાં 5 જેટલા વાહનો આગમાં ખાખ થયા હતા. તો બીજી તરફ, જુનાગઢ મનપાની બેદરકારીથી અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
જોકે, આ ઘટનામાં 40 વર્ષીય શૈલેષ સોલંકી, 38 વર્ષીય રુપી સોલંકી તેમજ 3 વર્ષીય બાળકી ભક્તિ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જુનાગઢ મનપાની સંકલન વગરની કામગીરી શહેરમાં આડેધડ ચાલી રહી છે. ચોમાસુ આવી રહ્યું છે, ત્યારે શહેરમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી. આડેધડ ખોદકામો ચાલી રહ્યા છે. મસમોટા ખાડાઓમાં હજુ પણ અન્ય અકસ્માતો થાય તેવી લોકોમાં ભીતિ સેવાઇ રહી છે.