-
કેશોદમાં યુવાનોને નોકરીની લાલચ મોંઘી પડી
-
ભેજાબાજોએ વન ખાતામાં નોકરી આપી લાલચ
-
RFOની નોકરીની લાલચે યુવાનોને છેતરી લીધા
-
4 ભેજાબજ શખ્સોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા
-
પોલીસે ચારેય ભેજાબાજોની ધરપકડ કરી લીધી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા. જેમાં પોલીસે છેતરપિંડી કરનાર 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય 2 યુવાનોને વન વિભાગમાં ક્લાસ-2 એટલે કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 75 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખ, વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દિપક શામલાલ સેન નામના શખ્સોએ GPSના ખોટા ઈ-મેલ આઇડીમાંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઇન્ટરવ્યૂ માટેના ખોટા ઈમેલ મોકલ્યા હતા, અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.
એટલું જ નહીં, આ ભેજાબાજ શખ્સોએ ફરિયાદી તથા અન્ય શખ્સો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં નાથા લાખાભાઈ સોલંકી મારફત ફરિયાદીના પુત્ર જીતુ સોલંકી, પરબત પિઠીયાના દીકરા નયન તેમજ ખીમજી સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપી હતી. જેમાં એક યુવાન દીઠ 25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા. નક્કી થયા મુજબ પ્રથમ સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતા, અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, તારે હાલ તો પોલીસે ચારેય ભેજાબાજ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.