-
ઝાંઝરડા ચોકડી નજીક બની હતી આગ લાગવાની ઘટના
-
JCB વડે ખોદકામ કરવામાં આવતા ગેસ લાઇનમાં ભંગાણ
-
ગેસ લાઇનમાં ભીષણ આગ ફાટી નીકળતા 3 લોકોના મોત
-
બાળકી સહિત 3 લોકોના મોત મામલે પોલીસની કાર્યવાહી
-
પોલીસે JCB ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક JCB વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળતા બાળકી સહિત 3 લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે બી’ ડિવિઝન પોલીસે JCB ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી નજીક વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપ નાખવા માટે મહાનગરપાલિકાનું JCB ખાડો ખોદતું હતું. તે દરમિયાન બેદરકારીથી ચાલકે JCBનું બકેટ ટોરેન્ટ ગેસની લાઈનમાં મારી દેતા લાઈન તૂટી જવાની સાથે ગેસ લીકેજ થવાથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ફાસ્ટફૂડની દુકાન ધરાવતા શૈલેષ સોલંકી ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે તેમના પત્ની રૂપાબેન, અઢી વર્ષની દીકરી ભક્તિ અને નાસ્તો કરવા આવેલા હરેશ રાબડીયાનું દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ પોલીસ ચેકપોસ્ટ પાસેના કોમ્પલેક્ષમાં આવેલી 6 દુકાનમાં પણ પ્રસરી હતી. જેના કારણે દુકાનમાં રહેલો ખાણીપીણી સહિતનો સરસામાન ખાખ થઈ ગયો હતો.
ઉપરાંત 8 મોટરસાયકલ પણ બળી ગઈ હતી. સાથે સાથે ટ્રાફિક પોલીસ ચોકી અને વીજપોલને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને લઇ જુનાગઢ શહેર બી’ ડિવિઝન પોલીસે દુકાનદાર શૈલેષ સોલંકીની ફરિયાદના આધારે JCB ચાલક વિરુદ્ધ BNSની કલમ કલામ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ દુર્ઘટનાથી લોકોમાં જવાબદારો સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન જુનાગઢ શહેર બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.ગોહિલે ગતરાત્રે મૂળ બિહાર અને વાડલા ખાતે રહેતા JCB ચાલક રાજેશકુમાર જયમંગલરાય યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.