-
માથાભારે શખ્સોના ત્રાસથી સ્થાનિકો પરેશાન
-
રહીશોએ મકાન વેચવા કાઢવાના બેનરો લગાવ્યા
-
25થી વધુ રહીશોએ મકાન પર લગાવ્યા બેનર
-
સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણથી લોકો પરેશાન
-
તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ
ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,તો બીજી તરફ જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા એક તરફથી અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કડક પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ અને લવકુશ નગરમાં સોસાયટીના રહીશો દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે,જેમાં સાર્વજનિક પ્લોટમાં ગંદકીને કારણે ગમે તેને મકાન વેચવાનું છે,તેવા બેનરો લગાવીને રજૂઆતો કરવામાં આવી છે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના 25 થી વધારે બ્લોકના રહેવાસીઓ દ્વારા પોતાના મકાન પર આવા બેનર અને માથાભારે શખ્સ સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે,પરંતુ કોઈ પણ કામગીરી ન થતા અંતે લોકો કંટાળીને મકાન વેચવા અને હિજરત કરવા મજબૂર બન્યા છે.જો આ અંગે તાત્કાલિક કોઈ ઉકેલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આ માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર સાર્વજનિક પ્લોટમાં દબાણ કરીને JCB ટ્રેક્ટર સહિતના ભારેખમ વાહનો રાખવામાં આવ્યા છે,તેમજ ગંદકીથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.