-
ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમાની પુરજોશમાં તૈયારી
-
અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા
-
તંત્ર દ્વારા રોડ, પાણી અને લાઈટો તેમજ દવાખાનાની વ્યવસ્થા
-
પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ નહીં પડે તેવું આયોજન કરાયું
-
પરિક્રમા વેળા જોવા મળશે ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ
આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જુનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, અને પુણ્યનું ભાથું બાંધે છે. કહેવાય છે કે, દેવ ઉઠી અગિયારસના દિવસે તમામ દેવતાઓ ગિરનારમાં જાગે છે. આ દરમ્યાન તેમની પરિક્રમા કરીએ તો મોટું પુણ્ય મળે તેવી લોકવાયકા પણ રહેલી છે. હાથમાં લાકડી અને પગપાળા જતા ભક્તોમાં વડીલ-વૃદ્ધો, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે.
આગામી તા. 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છે, ત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તો માટે રોડ-રસ્તા, પીવાના પાણી, શૌચાલય તેમજ હંગામી દવાખાનાને લઈને તૈયારી કરવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં 36 કિલોમોટરના રૂટ પર વિવિધ અન્નક્ષેત્રો પણ કાર્યરત કરવામાં આવનાર છે. આ અન્નક્ષેત્રોમાં શાકભાજીથી લઈને અનાજ, કરીયાણું પહોંચાડવામાં આવ્યું છે. ગિરનાર પરિક્રમા દરમ્યાન મોટી સંખ્યામાં સાધુ-સંતો આવતા હોય છે, ત્યારે અહીં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ વચ્ચે સાધુ-સંતો પણ ધુણા ધખાવી ભક્તિમાં લીન બન્યા છે.
ગિરનારની પરિક્રમા દરમ્યાન જીના બાવાની મઢી ખાતે પહેલો પડાવ હોય છે. હાલ ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, તો પરિક્રમા રૂટ ઉપર વન વિભાગ દ્વારા પણ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ હોય તેની કડક અમલવારી કરવામાં આવશે. જોકે, વન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને ઇકો ફ્રેન્ડલી 1 લાખ થેલીનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPR તાલીમ પણ અપાય છે. પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે, હૃદય બંધ પડી જવાની સ્થિતિમાં CPR દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે, ત્યારે લીલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.