-
બનાસકાંઠામાં ઘુસણખોરી કરતો હતો એક પાકિસ્તાની વ્યક્તિ
-
BSFના જવાનોએ ઘુસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કર્યો
-
ગુજરાત ATS દ્વારા પણ કચ્છના દયાપરમાં કરાય કાર્યવાહી
-
પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની ATSએ ધરપકડ કરી
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન આપ્યા
બનાસકાંઠા જીલ્લામાં ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા હતા.
ગત તા. 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક BSFના જવાનોએ ઠાર કર્યો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી. છતાં તે આગળ વધી રહ્યો હતો. જેથી પરિસ્થિતિ જોતાં BSFના જવાનોએ ગોળીબાર કર્યો હતો.
જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.
ગુજરાત ATSને અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. લીડિંગ ટેરિરિઝમ સ્ક્વોડ સામે ગુજરાત ATS લડી રહી છે, ત્યારે આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ, બનાસકાંઠામાં ઘૂસણખોરને ઠાર કરવા મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આ બાબતે હું કોઈ ટીકા ટીપ્પણી કરવા માંગતો નથી.