ખેડા : નિરાંત સેવા આશ્રમ દ્વારા એમ્બ્યુલન્સ, પરમશાંતિ રથ અને અન્નપુર્ણા રથનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નિરાંત સેવા ટ્રસ્ટ દ્વારા નવીન એમ્બ્યુલન્સ, અન્નપુર્ણા રથ અને પરમશાંતિ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નિરાંત સેવા ટ્રસ્ટ દ્વારા રૂ. ૫માં ભોજન અને નિઃશુલ્ક અંતિમ રથ અને નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા અર્પણ કરવામાં આવે છે.
સામાજિક સેવાનું શ્રેષ્ઠતમ જીવંત ઉદાહરણ એટલે નિરાંત સેવા ટ્રસ્ટ. આ સંસ્થાને ૨૧ વર્ષ પુર્ણ થયા તેની ખુશીમાં શ્રી બીપીનભાઇએ જણાવ્યું કે, માતા-પિતાના આશીર્વાદ અને સંસ્કારથી આ ટ્રસ્ટ જરૂરીયાતમંદ લોકો માટે ઉત્તમ કાર્ય કરી રહી છે. નિરાંત સેવા ટ્રસ્ટએ નડિયાદના ગરીબો માટે તેમજ સેવાકિય પ્રવૃત્તિઓ માટે ખુબ જ અગત્યનું ટ્રસ્ટ છે. આ સંસ્થા પુણ્યનું કાર્ય કરી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા નડિયાદ શહેરની સેવા માટે એક અધતન એમ્બ્યુલન્સ વાન, પરમશાંતિ રથ, અન્નપુર્ણા રથ પણ અર્પણ કરવામાં આવ્યું છે, તે ખુબ જ સરાહનિય કાર્ય છે. એમ્બ્યુલન્સ અને અન્નપુર્ણા રથનું લોકાર્પણ મહેમદાવાદ મત વિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતુ. ઉપરાંત ૬ વિકલાંગોને ટ્રાઇસીકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં રોજે અંદાજિત ૨૫૦થી વધુ જેટલા લોકોને ૫ રૂ.ના ટોકનરૂપે ભોજનની સેવા પુરી પાડવામાં આવી રહી છે. આ સેવાકિય પ્રવૃત્તિઓ બદલ શહેરીજનો તરફથી બિપીન પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે નિતીન ઉપાધ્યાયે સૌને આવકારીને નિરાંત સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. જયારે નિરાંત સેવા આશ્રમની આ સેવાકિય પ્રવૃત્તિઓમાં સહભાગી થવા બદલ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનો તથા નામી-અનામી સૌ દાનવીરોનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલા, માનવ સેવા પરીવારના મનુ મહારાજ, ગૌતમ બ્રહ્મભટ્ટ, વિનુ સુથાર તથા નગરશ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.