Connect Gujarat
ગુજરાત

ખેડા : ઓનલાઇન શિક્ષણથી છેવાડાના બાળકો વંચિત ન રહે તેવા આશયથી શિક્ષકે શરૂ કર્યું "ટીવી અભિયાન"

“શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” આ વાક્યને ખરા અર્થમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છાપરા ગામના મદદનીશ શિક્ષક વિશાલ પારેખએ સાર્થક કરી બતાવ્યુ છે.

ખેડા : ઓનલાઇન શિક્ષણથી છેવાડાના બાળકો વંચિત ન રહે તેવા આશયથી શિક્ષકે શરૂ કર્યું ટીવી અભિયાન
X

"શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ" આ વાક્યને ખરા અર્થમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છાપરા ગામના મદદનીશ શિક્ષક વિશાલ પારેખએ સાર્થક કરી બતાવ્યુ છે. આપણે આજે એવા શિક્ષકની વાત કરીએ છીએ જે ખરેખર સાધારણ નથી. જે દેશના બાળકો માટે, બાળકોના ભવિષ્ય માટે ખરેખર કઇક કરી છુટે છે. કોરોનાના કપરા કાળમાં પછાત વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે એક શિક્ષકે કરેલ અનોખો સેવાયજ્ઞ કહી શકાય તેમ છે.

કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓને ઘરે બેસીને ઓનલાઇન જ અભ્યાસ કરવો પડે છે. જેમાં પછાત અને ગરીબ બાળકો પાસે નથી સ્માર્ટફોન હોતા, કે નથી તેમના ઘરે ટીવી હોતા, ત્યારે આવી સુવિધા ન હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા ટીવી પર રજુ કરાતા શૈક્ષણિક કાર્યક્રમ જોઇ શકતા નથી. ગામડાની ગરીબ પરિવાર પાસે ટીવીનો અભાવ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જતા હોવાની જાણ કપડવંજ તાલુકાના છાપરાના શિક્ષક વિશાલ પારેખને ધ્યાનમાં આવી હતી. આથી તેમણે ગ્રામ્ય ક્ષેત્રના વિધાર્થીઓ પણ સારૂ અને સમયસર શિક્ષણ મેળવી અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને તે માટે તેઓએ અલગ-અલગ જગ્યા પરથી સ્વખર્ચે ટીવી એકત્રીકરણ કરી વિધાર્થીઓમાં વિતરણ કરી શિક્ષક તરીકેનું અનોખુ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કોરોના મહામારીના વિપરીત સમયમાં બાળકોને શાળાએ ન બોલાવવાના હોવાથી બાળકોને શિક્ષણ કઇ રીતે આપવું એ ખુબ મુશ્કેલ કાર્ય હતુ. આ સમયગાળમાં રાજ્ય સરકાર દ્વારા આ કપરા સમયમાં હોમ લર્નિંગ માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમા બાળકોને સ્માર્ટફોન, ટીવીના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગામડાના લોકોની આર્થિક પરિસ્થિતી મધ્યમ હોવાથી સ્માર્ટફોન કે, ટીવી કઇ જ ઉપલબ્ધ હોતું નથી. આ અભિયાનને સાર્થક કરી વિશાલ પારેખે શિક્ષણ જગતમાં સરાહનીય કાર્ય ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તારીખ ૧૫ જૂન ૨૦૨૦ના રોજથી ટીવી પર ડી.ડી. ગિરનાર ચેનલ પર શૈક્ષણીક કાર્યક્રમો પ્રસારિત થવાની શરૂઆત થઈ હતી.

શિક્ષક વિશાલ પારીખે જણાવ્યું હતું કે, છાપરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા ઘણા બાળકોના ઘરે ટીવી ન હોવાથી તેઓ આ શિક્ષણ કેવી રીતે મેળવશે તેવો વિચાર મારા મનમાં આવ્યો હતો. મને એમ થયું કે મારા ગામના અને મારી શાળાના બાળકો, કે જેમની પાસે ટીવી નથી તેઓ કઈ રીતે ભણશે? મારા મનમાં મે નક્કી કરી લીધું હતું કે, હું મારી શાળાના બાળકોનું શિક્ષણ બગડવા નહીં દઉં. સૌપ્રથમ ટીવીનું દાન મારા મિત્ર અને દાતા તરફથી આપવામાં આવ્યું. ત્યારબાદ ડીશ કનેક્શન મારુ પોતાનું આપીને ગામમાં પહેલું ટીવી મૂકી દીધું હતું. ત્યારબાદ આ વાત મે મારા મિત્રો તથા અન્ય દાતાઓને કરી હતી. બધા તરફથી મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને આ સેવાકાર્ય આગળ વધ્યું હતું. ઓનલાઇન શિક્ષણમાં ગામડાઓના બાળકો પાછળ ન રહે તેવા આશયથી આ એક પહેલ કરવામાં આવી છે. બાળકોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સમાજનો સાથ સહકાર લેવાના પ્રયત્નો થકી વર્તમાન મહામારીના સમયને ધ્યાનમાં રાખીને બાળકો શિક્ષણથી સતત જોડાયેલા રહે તે માટે હોમ લર્નિંગને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે બાળકોને ટીવી, ડીશ એન્ટેના, સ્માર્ટફોન, લેપટોપ વગેરે સામગ્રી દાન થકી પૂરી પાડીને ગુજરાતી ભાષા ઉપરાંત બાળકોમાં શિક્ષણ પ્રત્યે કોઈ પ્રકારનો અંતર ન વધે તે માટે પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક તબક્કે ૧૦ ટીવીના ટાર્ગેટ સાથે શરૂઆત કરી હતી, ત્યારે હાલ ૧૧૧ ટીવી જરૂરિયાતમંદ બાળકોને દાનના માધ્યમથી પૂરા પાડવામાં આવ્યા છે. આટલેથી નહી અટકતાં તેઓએ તાલુકાના જરૂરિયાતમંદ લોકો સુધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ જેમ કે, કરિયાણું, કપડા, ધાબળા, વાસણો વિગેરે તથા પ્રસંગોચિત જરૂરીયાતવાળા લોકોને જેમકે લગ્ન સહાય, મામેરા સહાય વગેરેમાં નાણાકીય મદદ દાનના માધ્યમથી પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા વિશાલ પારીખને અભિનંદન આપવામાં આવ્યા હતા અને એમની સેવાની નોંધ લેવાઇ હતી. સમગ્ર ટીવી અભિયાનમાં બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર દિપક સુથાર (ખેડા જિલ્લો) દ્વારા પ્રેરણા, માર્ગદર્શન અને સાથે રહી સહકાર આપવામાં આવ્યો હતો. વેકેશનમાં પણ આ શિક્ષકો વેકેશન માણવાને બદલે ગામડે ગામડે ફરીને આ અભિયાન આગળ વધારી યથાવત રાખવામાં આવ્યું છે.

Next Story