Connect Gujarat
ગુજરાત

મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ : રાજકોટ પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નોંધી નામ જોગ ફરિયાદ, SIT કરશે તપાસ

મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ : રાજકોટ પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નોંધી નામ જોગ ફરિયાદ, SIT કરશે તપાસ
X

રાજકોટનું નામ આવે એટલે રંગીલા સિટીની ઓળખ હોઠ પર આવીને ઊભી રહી જાય. પરંતુ આ રંગીલા સિટીમાં હવે ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત, અને ઠગાઈ જેવા કિસ્સાઓ પણ વધતા જઈ રહ્યા છે. કારણ કે, આવા જ એક કેસના કારણે જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી છે. તેમની આત્મહત્યા પાછળ પર કરોડોની મિલકત કારણ બની છે. તેમની સુસાઇડ નોટ અને ઓડિયો ક્લીપમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વચ્ચે હવે રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે.

રાજકોટ ઝોન 2 DCP મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, આજે સવારે મહેન્દ્ર ફળદૂએ પોતાની ઓફિસમાં આપઘાત કર્યો હતો. પોલીસને જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે ફોટોગ્રાફ અને પંચનામુ કર્યું હતું. તેમની બાજુમાં મોબાઇલ હતો, જેમાં સુસાઇડ નોટ હતી. પરિવાર દ્વારા સાંજે 8:30 વાગ્યે રાજકોટ પોલીસમાં 7 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ અમદાવાદના અને 2 આરોપીઓ રાજકોટના રહેવાસી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા જયેશ કાંતિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ તમામ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. હાઈપ્રોફાઇલ આત્મહત્યા કેસને લઇને રાજકોટ પોલીસ દ્વારા SITની રચના કરાઇ છે. તપાસ માટે 4 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ મહેન્દ્ર ફળદૂએ પોલીસમાં કોઇ અરજી આપી નથી. SIT સમગ્ર તપાસને સુપરવાઇઝ કરશે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI તપાસ કરશે. હાલ ડિજીટલ પુરાવા એકત્ર કરાયા છે. તેમણે સુસાઇડ નોટ ઘરે બનાવી હતી પછી ફોટો લીધો હતો. ઘટના રાજકોટમાં બની છે એટલે રાજકોટ તપાસ કરશે.આપઘાતના કારણ અંગે રાજકોટ પોલીસે જણાવ્યું કે, અમદાવાદની જમીનની બબાલને લઇ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે. અમદાવાદ રૂરલમાં બાવળા પાસે મહેન્દ્રભાઇની કંપની અને ઓઝોન ગ્રુપ બન્ને કંપની વચ્ચે MoU થયા હતા. મૃતકને જમીનને લઇને પ્રેશર રહેતું હતું. આરોપીઓને ઝડપવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. જે જગ્યાએથી સુસાઇડનોટ ટાઇપ કરાઇ અને તમામ પૂરાવા એકત્ર કરીને ઉંડાણ પૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફરિયાદમાં સ્પષ્ટ છે કે આ 7 લોકો પૈસા પરત પણ નહોતા આપતા અને જમીન પણ પાછી નહોતા આપતા. પૈસાની માંગણી માટે જાય તો તેઓ ધમકાવતા હતા. તેના આધારે તપાસ કરીશું...

Next Story