Connect Gujarat
ગુજરાત

નવસારી : 110 વર્ષ જૂની નેરોગેજ ટ્રેનની સફર થઈ પુનઃ શરૂ, પણ ભાડામાં કરાયો વધારો..!

કોરોનાના કારણે રેલ્વેએ નેરોગેજ ટ્રેન કરી હતી બંધ, આદિવાસીઓને રોજગારી માટે રહ્યું છે સસ્તું વાહન.

X

ગાયકવાડ રાજાના જમાનાની 110 વર્ષ જૂની નેરોગેજ છુક છુક ગાડી આદિવાસીઓને શહેરો સાથે જોડતી અને રોજગારી માટે સસ્તું વાહન બન્યું હતું, જે ટ્રેનને કોરોના મહામારીના કારણે રેલ્વે મંત્રલાયે બંધ કરી હતી. જોકે, આદિવાસીઓના વિરોધના કારણે સરકાર ઝૂકી ગઈ અને નેરોગેજ ગાડીને પુનઃ શરૂ કરવામાં આવી છે, ત્યારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી નેરોગેજ ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરથી ડાંગ જિલ્લાના વઘઇ સુધી પહોચતી નેરોગેજ ટ્રેન જે આદિવાસી પંથકની જીવાદોરી સમાન ટ્રેન બની હતી. પરંતુ કોરોના કાળમાં આ ટ્રેનને બંધ કરવામાં આવી હતી, ત્યારે ડાંગ જિલ્લાના આદિવાસી સહિત નવસારી, વાંસદા, ચીખલી અને ગણદેવીના આદિવાસીઓએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉગ્ર આંદોલન કર્યું હતું. જેનો પડઘો દિલ્હી સુધી પડતા આખરે આદિવાસી સમાજની માંગણીઓ સ્વીકારી દક્ષિણ ગુજરાતના કદાવર નેતા સી.આર.પાટીલના અથાગ પ્રયત્નો થકી આદિવાસી સમાજની જીવાદોરી ફરી દોડતી થઈ છે.

ડાંગ જિલ્લાના આદિવાસીઓને રાજકીય પાર્ટી માટે વોટ બેન્ક માનવામાં આવે છે. જે વોટ બેન્કને રાજી રાખવાના પ્રયત્નને લઈને નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્રેન શરૂ કરાવવામાં મહત્વની કામગીરી કરી છે. જોકે, ટ્રેનમાં 15 રૂપિયાની જગ્યાએ હવે 40 રૂપિયા જેટલું ભાડું રાખવામાં આવતા મુસાફરી કરવી મોંઘી બનશે. તો સાથે જ રેલ્વે સફરને લક્ઝુરિયસ બનાવવા માટે AC વિસ્ટાડોમ કોચનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોચમાં મુસાફરી માટે એક તરફનું 560 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે નવસારીના સાંસદ સી.આર.પાટીલ સહિત વલસાડના સાંસદ અને ડાંગના ધારાસભ્યએ બીલીમોરાથી વઘઇ ઉપડતી નેરોગેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.

Next Story