નવસારી : બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને હવે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ.. જમીન સંપાદનમાં ફેર વિચારણાની ખેડૂતોની માંગ...

પાવર ગ્રીડની લાઈન ખેતીવાડી વિસ્તારમાંથી ન લઈ જઈ દરિયા કિનારા વિસ્તારમાંથી લઈ જવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે.

New Update
નવસારી : બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને હવે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ.. જમીન સંપાદનમાં ફેર વિચારણાની ખેડૂતોની માંગ...

બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને હવે પાવર ગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે નવસારી જિલ્લામાં ખેડૂતો જમીન સંપાદનમાં ફેર વિચારણા થાય તે માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે. પાવર ગ્રીડની લાઈન ખેતીવાડી વિસ્તારમાંથી ન લઈ જઈ દરિયા કિનારા વિસ્તારમાંથી લઈ જવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે.

નવસારી જિલ્લામાંમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશને 750 KV અને 400 KV માટે વીજ લાઈન નાખવાનો નિર્ણય કર્યો છે. આ વીજ લાઈન જિલ્લાના 45 જેટલા ગામોમાંથી લઈ જવાનું નિર્ધારિત થયું છે. પરંતુ તે માટેની જગ્યાની પસંદગી ઉપરાંત વળતરને લઈને વાદવિવાદ શરૂ થયો છે. જલાલપોર અને ગણદેવી એમ 2 તાલુકાના 45 ગામોમાંથી લાઈન પસાર થનાર છે, ત્યારે આ ગામોના ખેડૂતોએ અગાઉ પોતાનો વિરોધ પણ કર્યો હતો, અને આ મામલે સાંસદ સી.આર.પાટીલને રજૂઆત પણ કરી હતી. પાવર ગ્રીડ મુદ્દે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

પરંતુ એમાં પણ વળતર અંગે કોઈપણ નિર્ણય કરવામાં આવ્યો નથી, અને પાવર ગ્રીડનું કામ હાલ જોરમાં ચાલી રહ્યું છે. જમીન સંપાદનની પ્રક્રિયા સહિતની કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હાલમાં જ બીજું જાહેરનામું આવ્યું છે. જેમાં ખાવડા-કચ્છથી અમદાવાદ થઈ રેશમા સુધી એક નવી લાઈન નાખવામાં આવી રહી છે, જેને માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ લાઈનો નખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, મરોલી પંથકમાંથી 28થી વધુ ગામોમાં આવેલ ફળરૂપ જમીનમાંથી આ લાઇન નાખવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતોએ મરોલીની કુડી પટેલ સમાજની વાડી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતો.

જોકે, પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નવસારી જિલ્લામાં નાખવામાં આવનાર હાઈટેન્શન લાઈન સંદર્ભે રજૂ થયેલા વાંધાઓની નવસારીમાં સુનવણી શરૂ થઈ, ત્યાં અસરગ્રસ્તોને રજૂઆત માટે મુદ્દત નહીં આપવામાં આવતા વિરોધ થયો હતો. જેની પણ જાણ સી.આર.પાટીલને ખેડૂતોએ કરી હતી. ખેડૂતોની માંગ છે કે, કેરી, ચીકુ અને શાકભાજી સહિતના પાકો આ હેવી વીજ લાઇનના કારણે નષ્ટ પામશે, તેના સ્થાને મેઇન પ્રોજેક્ટથી થોડે દૂર ખારપાટની જમીનમાંથી લાઈન નાખવામાં આવે તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ઉપયોગી થશે. ખેતીને થનાર પારાવાર નુકસાનને જોતા ખેડૂતોએ સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી કે, આ મામલે ફેરવિચારણા ન થાય અને સ્થળ બદલવામાં આવે તો ખેડૂતોને નુકસાન થતાં બચાવી શકાશે. જલાલપોર તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર, મરચાં અને અન્ય શાકભાજીનું ઉત્પાદન થાય છે. આ વિસ્તાર એક ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે, ત્યારે મોટા પ્રમાણમાં જમીન સંપાદિત થતા ખેડૂતો પોતાની મહામૂલ્ય જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Latest Stories