/connect-gujarat/media/post_banners/771e8bcac5e994a93b8dcd0dfd140868591317045107abf9a5790048738b40db.jpg)
નવસારી જિલ્લામાં ડાંગરના પાકનું માર્કેટ ગગડ્યું છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવથી ફાયદો થાય એમ છે. પરંતુ સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે. દર વર્ષે ખેડૂતો સહકારી મંડળીઓને પોતાના ડાંગરનો પાક આપે છે. તેની સામે મંડળીઓને સંતોષકારક ભાવ પણ આપતી આવી છે, ત્યારે વર્તમાન સમયામાં આ સ્થિતિ બદલાય ગઈ છે. મંડળીઓને પણ ખેડૂતોના તૈયાર માલની સામે વધુ ભાવ આપવો પોસાય તેમ નથી. જેથી ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ પર આશા બાંધી છે. જેમાં A-1 ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1960 રૂપિયા, જ્યારે કોમન ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા નક્કી થયા છે. સાથે સરકારે ડાંગર ખરીદવા માટે કેટલીક શરતો પણ રાખી છે. જેમાં ખેડૂતોને કેટલાક પ્રશ્નો મુજવી રહ્યા છે.
રાજ્ય સરકારે હેક્ટર દીઠ 2380 કિલો ડાંગર ખરીદવાની નીતિ બનાવી છે. પરંતુ જો એક હેક્ટરમાં વધુ ડાંગર પાકે તો તેનું શું કરવું તેનો ઉકેલ સરકારે પાસે નથી. સાથે જ નિયત કરેલી જગ્યાએ ખેડૂતોએ પોતાના પાકનું સેમ્પલિંગ આપવા માટે મોટા વાહનમાં ખુલ્લો પાક ભરીને જવાનું રહે છે. જેમાં ડાંગરની ક્વોલિટી બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો ખેડૂતોએ પોતાના ખર્ચે માલ પરત ઘરે લાવવાનો રહે છે. આજ સુધી સહકારી મંડળીઓ દ્વારા સાધારણ કે, નીચી ગુણવત્તાવાળું ડાંગર પણ ખરીદવામાં આવતું હતું, ત્યારે હવે રાજ્ય સરકાર આ મામલે કડક નિયમ બનાવી ખેડૂતોનો ખર્ચ પણ વધારી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કમોસમી વરસાદ અને લીલા દુકાળથી ખેડૂતો માટે સિઝન નિષ્ફળ ગઈ હતી. જેમાં માંડ માંડ તૈયાર થયેલા પાક સામે સરકારની ખેડૂત વિરોધી નીતિથી નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો નિરાશ થયાં છે.