-
ગણદેવીના ભાઠા ગામના લોકોમાં આક્રોશ
-
પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી
-
દોઢ વર્ષથી આચાર્ય નહિ મળતા ગ્રામજનોમાં રોષ
-
175 વિદ્યાર્થી શાળામાં કરે છે અભ્યાસ
-
જિલ્લા વહીવટી તંત્રને રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક કેન્દ્ર શાળા આચાર્ય વિના જ છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે,જોકે ગ્રામજનોની વારંવારની રજૂઆત બાદ પણ આચાર્યની નિમણુંક કરવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે,અને શાળાને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક કેન્દ્ર શાળામાં 175 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે,જોકે આ શાળા છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય વિના જ કાર્યરત રહી છે,પરંતુ આ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારીને આચાર્યની નિમણુંક કરવા માટે રજૂઆત કરી હતી,પરંતુ આજદિન સુધી તેઓની રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાન પર લેવામાં આવી નહોતી.તેથી ગ્રામજનો રોષે ભરાયા હતા,અને પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અને આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે સરકારી તંત્ર ચેડા કરી રહ્યું છે.ત્યારે બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે.