બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશનનો વિરોધ
હાઇવે પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા
સુરતથી મુંબઈ જતાં 100થી વધુ ટેક્સી ચાલકોને હાલાકી
ખાડાઓના કારણે વાહનોમાં પણ થઈ રહ્યું છે ભારે નુકશાન
વહેલીતકે માર્ગનું સમારકામ કરવા ટેક્સી ચાલકોની રજૂઆત
સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ત્યારે નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એટલું જ નહીં, ખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છે, અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે “રોડ નહીં, તો ટેક્સ નહીં”ના સૂત્રોચ્ચાર સાથે ટેક્સી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી વાપી અને મુંબઈ દરરોજ ટેક્સી લઈને જતા અંદાજિત 100થી વધુ ટેક્સી ચાલકોએ ટોલટેક્સ ચૂકવવા છતાં પણ સારા રોડ ન મળતા તેઓમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બિસ્માર રોડ-રસ્તા મુદ્દે યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે તેવું ટેક્સી એસોસિએશનના સભ્યોએ જણાવ્યુ હતું.