Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ હાલ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા..!

જિલ્લાના ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

X

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે હાલ તો પાલિકા દ્વારા વહેલી તકે આ બાગ-બગીચાઓની સાફ-સફાઈ સહિત મરામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા કુલ 5 બાગ-બગીચાઓ નિર્માણ કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી જુના બાગ તરીકે ઓળખાતા નહેરુ બાગને અંદાઝે રૂપિયા 90 લાખ ઉપરાંત ખર્ચ કરીને રીનોવેશન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નવા નામ કરણ સાથે અટલ ઉદ્યાન નામ આપીને પ્રજા માટે આ બગીચો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં જીઆઈડીસી સામે ડંપીગ સાઈટ બંધ કરીને તે જગ્યા ઉપર લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને વર્ષ 2014માં નગર પાલિકા દ્વારા બગીચો બનાવવામાં આવ્યો હતો, જ્યારે ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં અન્ય સ્થળોએ નાના મોટા બગીચાઓ લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા

ત્યારે આ તમામ બાગ બગીચાઓની હાલત અત્યંત દયનિય બની છે. આ બાગ બગીચાઓમાં સાફ-સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે બગીચાઓનો ઉપયોગ શહેરીજનો કરી શકતા નથી, જ્યારે હાલ આ બાગ બગીચાઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. નગરપાલિકા દ્વારા ગોધરા શહેરમાં આવેલા બાગ બગીચાઓને જાળવણી અને મરામત માટે વર્ષે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ પ્રકારે જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બાગ-બગીચાઓમાં મુકવામાં આવેલા રમત-ગમતના સાધનો પણ હાલ તૂટેલી હાલતમાં હોવાથી ઉપયોગ વિહોણા બન્યા છે. બીજી તરફ આ બાગ બગીચાઓમાં શહેરીજનો માટે મોર્નિંગ વોક માટે બનાવવામાં આવેલ વોક-વે પણ તૂટી ગયો છે. બગીચાની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોવાના કારણે લાખ્ખો રૂપિયા પાણીમાં ગયા હોવાનો શહેરીજનો અહેસાસ કરી રહ્યા છે.

Next Story