હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ
કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
ધક્કામૂકી મામલે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઈ
બનાવના પગલે પોલીસ કોલેજ કેમ્પસ દોડી આવી
ટોળા પૈકી કેટલાક યુવકોની હથિયાર સાથે અટકાયત
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સામાન્ય બાબતે 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ધક્કામૂકી મામલે ઝઘડો થતાં ટીબી ત્રણ રસ્તા નજીક 2 કોલેજિયન યુવકો ઉપર 15થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બન્ને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા. તેમની પાછળ પાછળ 8થી 10 યુવાનો બાઈક ઉપર ધસી આવ્યા હતા. વહીવટી ભવન નજીક પહોંચતા બન્ને વિદ્યાર્થીઓને પકડી ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો કોલેજ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. જેમાં હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3થી 4 યુવકોની હથિયાર સાથે પોલીસે અટકાયત કરી હતી, ત્યારે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.