Connect Gujarat
ગુજરાત

પાટણ: પાડોશી મહિલાએ પોતાના અનૈતિક સંબંધની વાત કોઈને કરી ન હોવાની સાબિતી માટે ગરમ તેલમાં હાથ નંખાવ્યો

કિશોરીને પાડોશી મહિલાએ ગરમ તેલમાં હાથ નંખાવ્યા, પોલીસે મહિલાની કરી અટકાયત.

X

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ ગયેલી પડોશીની બાળકીને ઘરમાં લઈ જઈ બીજા કોઈને વાત કરી નથી એની ખાતરી કરવા તેણે તેનો હાથ ગરમ તેલમાં નખાવ્યો હતો. કિશોરીનો હાથ દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રહેતા લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા મંગળવારે સવારે 11 વાગ્યે ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતી લખી મકવાણા નામની મહિલાએ તેને ધમકાવતાં કહ્યું હતું કે 'આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?' ત્યારે કિશોરીએ આ વાત કોઈને જણાવી નથી એમ જવાબ આપતાં લખીબેન તેને તેના ઘરમાં લઈ ગઈ હતી અને કહ્યું હતું કે 'તે જો કોઈને વાત ન કરી હોય તો એની સાબિતી માટે ગરમ તેલમાં હાથ નાખી બતાવ.

લખીબેને આમ કહેતાં ગભરાઈ ગયેલી કિશોરીએ હાથ નાખવાની ના પાડતાં મહિલાએ તેને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલી કિશોરી ભાગવા જતાં મહિલાએ તેનો હાથ પકડી ચૂલા પર તપેલીમાં ગરમ થઈ રહેલા તેલમાં નાખી દીધો. મહિલાએ તેનો જમણો હાથ કાંડા સુધી નાખતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાર બાદ મહિલા તેને ત્યાં જ છોડીને નાસી ગઈ હતી.

બીજી તરફ, કિશોરીની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સાંતલપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જ્યાંથી ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી. તેનો કોરોના ટેસ્ટ કરાયા બાદ અટકાયત કરાશે.

Next Story