સાબરકાંઠા : રશિયાની "લાડી" અને જર્મનીનો "વર", પણ હિન્દુ વિધિથી કર્યા લગ્ન...

સાકરોડીયા ગામમાં યોજાયા અનોખા લગ્ન, વર-કન્યા વિદેશી અને જાનૈયાઓ ગુજરાતી

New Update
સાબરકાંઠા : રશિયાની "લાડી" અને જર્મનીનો "વર", પણ હિન્દુ વિધિથી કર્યા લગ્ન...

ભારતની હિન્દુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને પણ પોતાના તરફ આકર્ષિત કર્યા છે, ત્યારે આવા જ આકર્ષણને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડીયા ગામમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં વર અને કન્યા તો વિદેશી હતા, પરંતુ જાનૈયાઓ ગુજરાતી હતા. જુઓ અમારો વિશેષ અહેવાલ...

હિંમતનગર તાલુકાના સાકરોડીયા ગામમાં અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની તો જાનૈયાઓ ગુજરાતી હતા. આ લગ્નમાં 2 અલગ અલગ દેશના યુવક-યુવતી હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા હતા. યુવતી જુલિયા ઉખવાકટીના ઇંગ્લીશ શિક્ષક સાથે સાથે યોગા શિક્ષક પણ છે, જ્યારે ક્રીશ મુલર એક ધનાઢ્ય જર્મન બિઝનેશ મેનનો પુત્ર છે. જે પોતે પણ એક જર્મન અને સિંગાપોર બેઝ કંપનીનો સીઈઓ છે. ક્રિસને પોતાના પિતાના બિઝનેશને સંભાળવાને બદલે ધર્મનુ જ્ઞાન મેળવવામાં વધુ રસ છે. મૂળ જર્મનીના ક્રીશ અને રશિયાની જુલિયા ભારતના આધ્યાત્મથી ખૂબ જ આકર્ષિત છે, ત્યારે આ જ અધ્યાત્મ તેમના મંગલ પરિણયમાં પરિણમ્યું છે. વિદેશી યુવક-યુવતીએ હિન્દુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ છે. બન્ને નવ યુગલોને પીઠી ચોળાય, લગ્ન ગીતો પણ ગવાયા તો સાથે જ કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું.

જુલિયા અને ક્રીશ બન્ને અધ્યાત્ત્મની શોધમાં હતા, ત્યારે દાદા ભગવાનથી આકર્ષાયા હતા. આ આકર્ષણ તેમને સાકરોડીયા ગામમાં ખેંચી લાવ્યું હતું, ત્યારે તેમના મિત્રને હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં તરત જ કંકુના કરાયા... કંકોત્રીઓ છપાય... કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવાર જનોએ લીધું. લગ્ન સંપન્ન વેળા ક્રિસ શેરવાણીમાં અને જુલિયા પાનેતરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નના વિધિ-વિધાનોથી વિદેશી નવદંપતી પ્રભાવિત હિન્દુ સંસ્કૃતિના ભર પેટ વખાણ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ આજે પણ વિદેશીઓને પ્રભાવિત કરી રહ્યો છે, ત્યારે જુલિયા અને ક્રીશ ભલે હિન્દુ નથી. પણ સહર્ષ રીતે હિન્દુ ધર્મને આદર આપી ભારત રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

Latest Stories