-
દેશી દારૂના વેપલા પર તવાઈ, નાનું તળાવ બનાવીને ચાલતો હતો કારોબાર
-
સ્ટેટ મોનીટરીંગ સેલે પડ્યા દરોડા
-
1172 લીટર દારૂ ઝડપ્યો, 23 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
-
બે શખ્સોની ધરપકડ, દારૂ બનાવવાનું મટીરીયલ પણ જપ્ત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે,આ સમગ્ર ઘટનામાં 21 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે,જયારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મોટા પાયે દેશી દારૂનો વેપલો ધમધમતો હતો,જે અંગેની ચોક્કસ માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 1,172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે,SMCની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યો છે.સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે,બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ બનાવતા હતા,તે દિશામાં પોલીસે તપાસ કરી છે.તો દારૂ બનાવવા માટે જે મટીરીયલ ઉપયોગમાં લેવાતું હતું તે પણ FSLમાં મોકલી આપ્યું છે.પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનામાં 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહીં અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા,તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગામમાં એક નાનું તળાવ બનાવીને દેશી દારૂ તેમાં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે,અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.