સૌરાષ્ટ્રભરમાં "શ્રીકાર" વરસાદ, પાણી ફરી વળતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર

સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ.

સૌરાષ્ટ્રભરમાં "શ્રીકાર" વરસાદ, પાણી ફરી વળતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર
New Update

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, ગઈકાલ રાતથી જ શરૂ થયેલા વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ઉપલેટા, ધોરાજી અને વિસાવદર સહિતના અનેક વિસ્તારોમાં હવે મેઘરાજા કહેર બની વરસી રહ્યો છે. અહી અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે, તો પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા હેલીકૉપટરની પણ મદદ લેવામાં આવી રહી છે. આમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે રાજકોટ જિલ્લાના 25 પૈકી 6 ડેમ પણ ઓવર-ફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે. મેઘાનાં મંડાણ મંડાતા હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં પણ કેડ સમા પાણી ભરાયા છે. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ વરસતા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાને બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સારો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આગાહી કરવામાં આવી છે. જોકે, હવે વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી રહી છે.

સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારથી જ વરસાદના કારણે ભયંકર સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારે વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે. જુનાગઢના વિસાવદરમાં પણ વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા દામોદર કુંડમાં પણ પાણીના ભારે આવક થઇ છે. આ સાથે જ શહેરનો સૌથી મોટો ડેમ વિલિંગ્ડન ડેમ પણ ઓવર-ફ્લો થયો છે. જામજોધપુરના સડોદર ગામમાં પણ પાણી ઘૂસી જતા અહીના લોકો ભારે હેરાન થયા છે. ઘરો અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં અહી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ તરફ અમરેલી જીલ્લામાં પણ મેઘરાજા મહેબાન થયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત બગસરામાં પણ સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો વાડિયા પંથકના દેવળકી, બરવાળા, મોરવાડા, અરજણસુખ, ખીજડીયા, ઢૂંઢીયા અને પીપરિયામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ સાથે જ સુરવો ડેમ સહિતના નદી-નાળામાં પણ નવા નીરની આવક થવા પામી છે. જોકે, પવન સાથે ભારે વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

#Gujarat #Rajkot #Junagadh #Heavy Rain #Rainfall #Amreli News #Rainfall News #Saurashtra #Rainfall Update #Connect Gujarat News #Gujarat Heavy RainFall #Monsoon 2021
Here are a few more articles:
Read the Next Article