ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમને દિવાળીના તહેવાર દરમ્યાન કરેલા એક્સ્ટ્રા અને વિશેષ બસના સંચાલનમાં મોટા પ્રમાણમાં આવક થઇ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નિગમને રૂપિયા 2 કરોડ 30 લાખથી વધુ રકમની આવક થવા પામી છે.
ગત વર્ષે કોવિડના કારણે દિવાળીના તહેવાર દરમ્યાન પ્રવાસીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. જેને લઈ આવકમાં પણ ઘટાડો થયો હતો. જોકે, આ વર્ષે પરિસ્થિતિમાં સુધારો આવતા તહેવારોની ઉજવણી માટે લોકો પોતાના વતન તરફ વળ્યા હતા. જેના કારણે નિગમને મોટી આવક થઇ છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દર વર્ષે દિવાળી તથા હોળીના તહેવાર નિમિત્તે વધારાની બસો દોડાવવાનું સંચાલન કરવામાં આવે છે. જેમાં નિગમને ટૂંકા ગાળા દરમિયાન મોટી આવક થતી હોય છે, ત્યારે આ વર્ષે નિગમે કુલ 10 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું હતું. જેમાં નિગમને રૂપિયા 6 કરોડ 75 લાખથી વધુની આવક થઈ છે. તા. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી એસ.ટી. નિગમની બસોમાં કુલ 4,97,321 લોકોએ પ્રવાસ કર્યો હતો. ગત વર્ષે એસ.ટી. વિભાગને 4 કરોડ 44 લાખ 66 હજાર 167 રૂપિયાની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે માત્ર 7 દિવસમાં જ કુલ 6 કરોડ 75 લાખ 70 હજાર 642 રૂપિયાની આવક થઈ છે, જ્યારે એકસ્ટ્રા અને રૂટિન સંચાલન સાથે કુલ આવક 46 કરોડ 94 લાખ 53 હજાર 806 રૂપિયા જેટલી આવક થઈ છે. જેથી કહી શકાય કે, દિવાળીના તહેવારો દરમ્યાન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની ચાંદી જ ચાંદી થવા પામી છે.