/connect-gujarat/media/post_banners/3065e157f95fba82352561ec4a1b6ebdaad239af8b7821fc16fdd869e039b4f5.jpg)
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હવે શાળા રાબેતા મુજબ શરૂ થતાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વૈશ્વિક કોરોના મહામારીના પગલે છેલ્લા 2 વર્ષથી રાજ્યભર શાળાઓનું શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. જોકે, વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું, ત્યારે આજથી સરકારે તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ફરજીયાત કરતા શાળા સંકુલ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારથી જ વડોદરા જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓથી ઉભરાય હતી. શાળા શરૂ થતાં જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેર તથા જિલ્લાની વાત કરીએ તો, ભરૂચ તથા અંકલેશ્વરની તમામ શાળાઓમાં આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી શાળાઓમાં વિદ્યાર્થીનો પ્રવેશ થતાં શાળા સંચાલકોમાં ખુશી જોવા મળી હતી. 2 વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શાળાએ પહોચ્યા હતા. જોકે, ઓનલાઈન શિક્ષણ બંધ થતાં હવે વિદ્યાર્થીઓ મોબાઈલનો ઓછો ઉપયોગ કરશે જેથી વાલીઓને પણ મોટી રાહત થઈ છે.