/connect-gujarat/media/post_banners/c5fbf7f5cf66758271e2151d7d7a768c16c345e191c82e791933c45dec9bcba3.jpg)
સોશિયલ મિડીયામાં મધર્સ ડેના દિવસે સંતાનો પોતાની માતા સાથેની તસવીરો અને સુવિચારો મુકતાં હોય છે પણ તેનો કેટલા અંશે અમલ કરે છે તે તો તસવીર મુકનારા જ જાણતા હોય છે. માતા અને પુત્રવધુના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે...
વરાછા કમાલપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને તેમના પુત્રવધૂના ત્રાસથી વરાછા પોલીસે ઉગારી માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે. વયોવૃદ્ધ સાસુને ફ્લેટની બાલ્કનીમાં ગોંધી રાખી માર મરાતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાતા પુત્રવધુની નિર્દયતા સામે લોકો ફીટકાર વરસાવી રહયાં છે. આ વૃધ્ધાને ત્રણ પુત્રો છે પણ બે પુત્રોએ તેમને રાખવાનો ઇન્કાર કરતાં તેઓ વરાછામાં રહેતાં તેમના સૌથી નાના પુત્રને ત્યાં રહેતાં હતાં. પોતાના ત્રણ સંતોનાના ભણતર, મોજશોખ અને ભરણપોષણ પાછળ ખર્ચી નાખનારી માતાને જીવનના અંત સમયમાં અમાનુષી અત્યાચારનો ભોગ બનવું પડયું છે. 85 વર્ષની સાસુને 60 વર્ષની પુત્રવધુ બાલ્કનીમાં ગોંધી રાખતી હતી અને માર મારતી હતી. આ દ્રશ્યો રોજીંદા બની ગયાં હતાં. આખરે એક બાળકે આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો વરાછા પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વૃધ્ધાને બચાવી હતી.
વરાછાના પીઆઇએ જણાવ્યું હતું કે,કાંતાબેન ગીરધર સોલંકી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામના વતની કાંતાબેન છ માસ પહેલા સુધી વતનમાં પતિ સાથે રહેતા હતા. પતિનું અવસાન થતા સુરત આવી ગયા હતા.સુરતમાં તેમના ત્રણ દીકરા છે. બે દીકરાઓએ રાખવાની ના પાડી દેતા દીકરા ભરતના ઘરે ત્રણ માસથી રહેતી હતી. કાંતાબેનને રોજીંદી ક્રિયા કરવામાં પણ તકલીફ થતી હતી. ભરતની પત્ની તરૂણાને તે ગમતુ ન હતું તેથી તરૂણા સાસુ કાંતાની સાથે ઝગડો કરીને મારઝુડ કરતી હતી. કાંતાબેને દીકરાઓ સાથે રહેવાની ના પાડી અને કહ્યું કે સાહેબ વહુને જવા દો, એ તો મારી વહુ છે. પોલીસે ઘરે વૃદ્ધાશ્રમ ચલાવતા કોર્પોરેટર મધુબેન ખેનીને ત્યાં કાંતાબેનને રહેવાની વ્યવસ્થા કરી હતી.